ગુજરાત: કોરોના બાદ ‘મ્યૂકર માઈકોસિસ’ અને હવે દર્દીઓને ‘ગેંગરીન’નો ખતરો
ગાંધીનગર: કોરોના બાદ જીવલેણ મહામારી બ્લેક ફંગસ અર્થાત “મ્યૂકર માઈકોસિસ” બાદ હવે ગુજરાતમાં વધુ એક ગંભીર બીમારીનો ખતરો ઉભો થયો છે. આ રોગનું નામ છે ગેંગરીન, જેના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગેંગરીન એક એવો રોગ છે, જેમાં દર્દીની નસોમાં લોહીના ગઠ્ઠા જામવા લાગે છે. જેના પગલે શરીરના જે-તે અંગને કાપવાની ફરજ પડે છે.
કોરોનાની સારવાર કરાવી ચૂકેલા દર્દીઓ સાથે હવે આવી જ સમસ્યા આવી રહી છે. અમદાવાદમાં એવા કેટલાક કેસો સામે આવ્યા છે, જે હાલમાં જ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યાં છે. હવે તેમને હાથ-પગમાં દુ:ખાવાની ફરિયાદ છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં રહેતા 26 વર્ષના હીરજી લુહારને ગેંગરીન થયા બાદ તેમનો એક પગ કાપવો પડ્યો હતો.
અમદાવાદના વેસ્ક્યૂલર સર્જન ડૉ મનિષ રાવલના જણાવ્યા મુજબ, દર્દી કોરોનાથી સંક્રમિત હતો અને લગભગ બે અઠવાડિયા પહેલા જ રિકવર થયો હતો. જો કે પાછળથી અચાનક તેના પગમાં દુ:ખાવો ઉપડ્યો હતો.
આ દુ:ખાવાને દર્દીએ ગણકાર્યો નહતો, પરંતુ પાછળથી પગ સુન્ન પડી જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલમાં દાખલ થવા સુધીમાં ઘણો જ વિલંબ થઈ ચૂક્યો હતો, કારણ કે ગેંગરીન આખા પગમાં ફેલાઈ ચૂક્યું હતું. આખરે નાછૂટકે દર્દીનો જીવ બચાવવા તેનો પગ કાપવો પડ્યો.
ગેંગરીન એક એવો રોગ છે, જેમાં શરીરના કોઈ અંગમાં ગાંઠ થઈ જતાં બ્લડ સર્ક્યુલેશન રોકાઈ જાય છે. ઘણાં સમય સુધી આ સ્થિતિ રહેવા પર શરીરનું એ અંગે બહેરુ થઈ જાય છે અને એવામાં આ ભાગને શરીરથી અલગ કરવો પડે છે.
જો કે આ રોગ કોરોનાની પહેલા આવેલો છે અને તેનો ખતરો મુખ્યત્વે ડાયાબિટીશના દર્દીઓને વધારે હોય છે. જ્યારે સુગર લાંબા સમય સુધી અનિયંત્રિત રહે છે, તો શરીના કોઈ પણ અંગ પર ગેંગરીન થઈ શકે છે.
Source : ગુજરાત એક્સક્લુસીવ
No comments:
Post a Comment